રાજ્યમાં ઇકો ટુરિઝમને વેગ આપવામાં આવશે, સાથે જ ઇકો ટુરિઝમથી વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય તે માટે વિઝિટર ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો
વન મંત્રીએ વિશેષ આનંદ સાથે જણાવ્યું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ 'નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી' સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે તેમ વન મંત્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું.













