ગુજરાતમાંથી ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ગાંધીનગર ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ આજે સત્તાવાર રીતે પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે.


રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે ફોર્મ ભર્યા

ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા ચાર મુખ્ય ચહેરાઓ- રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે વિજયી મુહૂર્તમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, તેમજ મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો અને મોટી સંખ્યામાં ધારાસભ્યો ખાસ હાજર રહ્યા હતા. નેતાઓએ ચારેય ઉમેદવારોને નવી ઇનિંગ્સ માટે શુભકામનાઓ પાઠવી હતી.


વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર મેદાનમાં નથી

ગુજરાત વિધાનસભાના વર્તમાન સંખ્યાબળ અને સમીકરણોને જોતાં વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી ભાજપના આ ચારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા બને તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ફોર્મ ભર્યા બાદ પ્રદેશ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નેતૃત્વએ પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ ચારેય નેતાઓ સંસદના ઉપલા ગૃહમાં ગુજરાતના વિકાસના પ્રશ્નોને મજબૂતાઈથી વાચા આપશે. ફોર્મ ચકાસણી અને નામ ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે આ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવશે, જેને લઈને અત્યારથી જ ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે.

આ પણ વાંચો---     Gujarat Latest News live : કરજણ-પાદરા વચ્ચે ઉભેલી આર્ટિગા કારને ટેમ્પોએ ઉડાવી, 3 ના મોત 


  • Follow us on: