વિધાનસભામાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની અંદાજપત્રીય માગણીઓ વિશે વાત કરતાં મંત્રી રમણભાઈ સોલંકીએ કહ્યું કે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ વિભાગ માટે કુલ રૂ. ૨,૮૫૬ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. જે રાજ્ય સરકારની ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્યના અંદાજે ૭૫ લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. ૭૦૦.૬૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા, સમતોલ આહાર માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા માટે રૂ. ૮૪૧.૬૯ કરોડની જોગવાઈ કરાઈ છે.
રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું
વર્ષ ૨૦૨૫-૨૬માં અગાઉના વર્ષની સરખામણીએ કઠોળના વિતરણમાં ૨૮,૪૯૧ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, આયોડિન અને આયર્નની ઊણપ દૂર કરવા ૭૫ લાખ પરિવારોને માત્ર રૂ.૧ પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા રૂ. ૫૯.૪૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ હલ થશે. અત્યાર સુધીમાં રાજ્યના ૪.૨૩ કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી
ખેડૂત કલ્યાણની વાત કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૦,૩૯૬ ખેડૂતો પાસેથી વિવિધ ધાન્યની ખરીદી કરી રૂ. ૪૭,૪૯૪ લાખનું સીધું ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવ્યું છે.બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે રૂ. ૩૬.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર વિતરણ વ્યવસ્થાની મહત્વની કડી એવા ૧૭,૦૦૦થી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે, તેમને રૂ. ૧૫૦ના બદલે રૂ. ૧૮૫ પ્રતિ ક્વિન્ટલ કમિશન ચૂકવવામાં આવશે. આ માટે રૂ. ૬૭.૨૦ કરોડની વિશેષ જોગવાઈ અલગથી કરાઈ છે.
નવા ગોડાઉનો બાંધવાની વિચારણા
તુવેર દાળ, ચણા અને ખાંડના વિતરણમાં પારદર્શિતા વધારવા અને ફરિયાદો ઘટાડવા માટે હવેથી છૂટકને બદલે ૧ કિલોગ્રામના પ્રમાણિત પેકિંગમાં વિતરણ કરવામાં આવશે. ૨૪x૭ અનાજ મળી રહે તે માટે 'મેડ ઈન ગુજરાત' ગ્રેઈન એટીએમની સુવિધા શરૂ કરાશે. જેમાં લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ મેળવી શકશે. આ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ, વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવા માટે CRI તૈયાર કરવા MOU કરવામાં આવ્યા છે. રાજ્યમાં સંગ્રહ ક્ષમતા વધારવા માટે નાબાર્ડની સહાયથી ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા ગોડાઉનો બાંધવાની વિચારણા છે, જેનાથી ૯૩,૪૦૦ મેટ્રિક ટન વધારાની ક્ષમતા ઊભી થશે.
આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી