રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે પાટનગર ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ચોમાસાને પહોંચી વળવા માટેના એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓ અને સંરક્ષણ પાંખોની ઉપસ્થિતિ
સરકારના વિવિધ મહત્વના વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે યોજાયેલી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા આલોક પાંડે તેમજ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને ડિફેન્સ (સંરક્ષણ) ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.
એક્શન પ્લાન અને સંકલન મુદ્દે ચર્ચા
બેઠક દરમિયાન ચોમાસાના ચાર મહિના દરમિયાન કયા વિભાગે શું કામગીરી કરવાની રહેશે અને કટોકટીના સમયે કેવી રીતે પરસ્પર સંકલન (કો-ઓર્ડિનેશન) જાળવવું, તે મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. મુખ્ય સચિવ એમ. કે. દાસે તમામ વિભાગોની જવાબદારીઓ નક્કી કરી આપી હતી અને એક્શન પ્લાનનો અમલ અત્યારથી જ અસરકારક રીતે કરવા માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા.
ઝડપી બચાવ કામગીરી પર વિશેષ ભાર
મુખ્ય સચિવે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, પૂર કે ભારે વરસાદ જેવી આપત્તિના સમયે વહીવટી તંત્રનો પ્રતિસાદ (રિસ્પોન્સ ટાઈમ) એકદમ ઝડપી હોવો જોઈએ. નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા વધુ રહે છે, ત્યાં અગાઉથી જ પ્લાનિંગ કરી રાખવા અને નાગરિકોની સુરક્ષા તેમજ બચાવ કામગીરીને પ્રથમ પ્રાધાન્ય આપવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો - Gandhinagar news : શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે, 17 મનપા અને 151 નગરપાલિકા વાયર ફ્રી બનશે