મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય અને જળ સંગ્રહ માટે વડાપ્રધાન મોદીએ કરેલા કેચ ધ રેઈન આહવાનને સાકાર કરવા ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી ૨.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.જળ સંચય અને જળ સંગ્રહ માટેનું આ મહાઅભિયાન તા.૩૧ મે ૨૦૨૬ સુધી યોજાશે.આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ ૧૦ તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે.
તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ
આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના ૬ જેટલા વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે.આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/જાળવણી/સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ/વનતળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ટાંકી/સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.













