ગુજરાત રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ બનાવેલું એન્ટિવેનમ ઉપલબ્ધ થશે. સર્પદંશથી થતા માનવ મૃત્યુઓને ઘટાડવા માટે આ પગલું અસરકારક સાબિત થશે.દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી છે. ધરમપુર સ્થિત આ સંસ્થામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા ઝેરી સાપોને લાવવામાં આવે છે. હાલમાં, અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે.


રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને અટકાવાશે

સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી જે એન્ટિવેનમ બનાવશે તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટિવેનમ પુરું પાડશે. રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને અટકાવવા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે અને આ માટે ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ મેળવેલા ઝેરમાંથી એન્ટીવેનમ બનાવવાનું મહત્વનું કામ પ્રગતિમાં છે.

સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં થઈ ઝેરની ઇ-હરાજી

આ સર્પ સંશોધન કેન્દ્રએ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓ—ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર—ના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપમાં) ઝેરની ઈ-હરાજી કરી હતી. આ હરાજીમાં લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો હતો. આ સંસ્થામાં રાખવામાં અને સાચવવામાં આવેલા ઝેરી સાપોમાંથી કાઢેલા ઝેરની ગુણવત્તા એટલી સારી હતી કે, આ ઝેર માટે ધાર્યા કરતા પણ ઉંચી કિંમત મળી. સર્પ સંશોધન કેન્દ્રનાં એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, “ઈન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹ 40,000ની બેઝ પ્રાઇસ (આધાર કિંમત) નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમને પ્રતિ ગ્રામ ₹ 44,000 મળ્યા. સૉ-સ્કેલ્ડ વાયપરના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 50,000ની આધાર કિંમત સામે ₹ 56,500 મળ્યા. અન્ય પ્રજાતિઓ માટે પણ સારો પ્રતિસાદ મળ્યો અને ઉંચી કિંમત મળી.

સર્પદંશની સારવારમાં મુખ્ય પડકાર

સર્પ સંશોધન કેન્દ્રના ઉપાધ્યક્ષ ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું કે, સર્પદંશની સારવારમાં મુખ્ય પડકાર એ છે કે સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાય છે. દૂરનાં પ્રદેશના ઝેરથી બનાવેલું એન્ટિવેનમ ઘણી વખત ઓછું અસરકારક સાબિત થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી છે અને અહીં ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અમને આશા છે કે, ગુજરાતમાંથી પકડેલા સાપનાં ઝેરમાંથી બનેલા એન્ટિવેનમ સર્પદંશની સારવારમાં વધુ અસરકારક નીવડશે.અહીં રાખવામાં આવેલા સાપોમાંથી મેળવવામાં આવતું ઝેર ઉચ્ચ ગુણવત્તાનું છે કારણ કે સંસ્થા WHOની માર્ગદર્શિકા અનુસરે છે.


આ પણ વાંચોઃ Gujarat Weather News: સાંજે 06 વાગ્યા સુધી માવઠું થવાની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ


  • Follow us on: