જે રીતે અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આજે રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આખે આખી વસાહતને તોડી પાડવા માટેની કાર્યવાહી ચાલુ છે. ત્યારે આ સમગ્ર મુદ્દો આજે વિધાનસભામાં ઉઠ્યો હતો. રાજ્યપાલના સંબોધનની ચર્ચા પર આ મુદ્દે ઉછળ્યો હતો. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જંગલેશ્વરમાં ઉત્તમ કામ કર્યું છે.
જંગલેશ્વરનો મુદ્દો વિધાનસભામા ગાજ્યો
વિધાનસભામાં જંગલેશ્વરનો મુદ્દો ઉઠાવીને ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જંગલેશ્વરમાં ઉત્તમ કામ કર્યું છે. આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓનો અંત આવ્યો છે. રાજ્યમાં આવી અનેક જગ્યાઓ પર બુલડોઝર ચાલશે. ગેરકાયદે દબાણો દૂર કરવા બદલ અભિનંદન પાઠવું છું. છેલ્લા 10 વર્ષમાં અહીં હત્યાના ચાર કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરાઈ છે. હત્યાની કોશિશના ત્રણ કેસ સામે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. મારામારીના 38 કેસમાં 66 આરોપીની ધરપકડ કરાઈ છે. બળાત્કાર અને અપહરણના કેસમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે મંડળીના 12 કેસોમાં 79 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.













