આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સરકારી નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. સરકારી નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 4473 ઉમેદવારોને સરકારી નોકરી માટેના નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા આપ્યા બાદ પસંદ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને PM મોદીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.


'સામાન્ય માણસની સેવા કરવી એજ સંકલ્પ રાખો'

આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસને પ્રાથમિકતા આપો. સામાન્ય માણસની સેવા કરવી એજ સંકલ્પ રાખો. અમૃતકાળમાં તમને જનસેવાની તક મળી છે. ઇમાનદારી અને નિષ્ઠાથી લોકોની સેવા કરો. પારદર્શિતાના હિસાબે તમને આજે નોકરી મળી છે. જેથી તમે પણ સેવામાં પારદર્શિતા સાથે કામ કરજો.

'ગુજરાતના 3.5 કરોડ યુવાનોને રોજગારીની તકો મળી'

ઉમેદવારોને અગવડ ન પડે એટલે સરકારી નોકરી માટેની ભરતી માટે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બનાવ્યું છે. હવે કોઈપણ લાગવગ વગર રાજ્યમાં નોકરી મળતી થઈ છે. અમારી સરકારમાં ગુજરાતના 3.5 કરોડ યુવાનોને રોજગારીની તકો મળી છે. સરદાર પટેલની 150ની જન્મ જયંતિના સમયમાં તમે સરકારી નોકરીમાં જોડાઈ રહ્યા છો.

'સરકારીની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારીની તક છે'

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલના જણાવ્યા અનુસાર દેશના સામાન્ય નાગરિકનો ઘા સમજી અને ફરજ બજાવવાની છે. પ્રધાનમંત્રી મોદીએ આ અનુરોધ મુજબ કામ કર્યું છે. તમે રાષ્ટ્રહિત પ્રથમ રાખશો એવી આશા છે. તમારી ફરજમાં શિથિલતા નહીં પણ નવીનતા સાથે પ્રગતિના શિખર સર કરો તેવી શુભકામનાઓ હું તમને આપી રહ્યો છું. આ સાથે મુખ્યમંત્રીએ યુવાનોનો ઉત્સાહ વધારતા જણાવ્યું કે, સરકારીની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારીની તક છે.

નિમણૂંક પામેલા ઉમેદવારો

  • જુનિયર ક્લાર્ક વર્ગ 3ના કુલ ઉમેદવાર 2828
  • સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ના કુલ 45 ઉમેદવાર
  • સબ રજીસ્ટ્રાર ગ્રેડ 2ના કુલ 47 ઉમેદવાર
  • સ્ટેમ્પ્સ નિરીક્ષક વર્ગ 3ના 22 ઉમેદવાર
  • સિનિયર ક્લાર્ક વર્ગ 3ના 339 ઉમેદવાર
  • હેડકલાર્ક વર્ગ 3 ના કુલ 138 ઉમેદવારો
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ના કુલ 20 ઉમેદવાર
  • સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3ના કુલ 144 ઉમેદવાર
  • ગૃહપતિના 8 ઉમેદવાર
  • ઓફિસ આસિસ્ટન્ટના કુલ 174 ઉમેદવાર
  • ડેપો.મેનેજરની પોસ્ટ માટે કુલ 24 ઉમેદવારો
  • આસિસ્ટન્ટ/આસિસ્ટન્ટ ડેપો મેનેજરના કુલ 346 ઉમેદવારો
  • મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3માં કુલ 63 ઉમેદવારો
  • હિસાબનીશ વર્ગ 3ના કુલ 165 ઉમેદવારો
  • પેટા હિસાબનીશ વર્ગ 3ના કુલ 71 ઉમેદવારો
  • સર્વેયરના કુલ 39 ઉમેદવારો

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: