ગુજરાતમાં વર્ષોથી અમલી દારૂબંધીની નીતિને લઈને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર વિવાદાસ્પદ અને આકરા પ્રહાર કર્યા છે. તેમણે રાજ્યમાં પ્રવર્તતી દારૂબંધીને 'કુત્રિમ હાઉ' અને 'નાટક' ગણાવીને તેને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે.


"દારૂબંધીને કારણે યુવા પેઢી ગુટખા તરફ વળી"

શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં લદાયેલી આ દારૂબંધીની નીતિને કારણે રાજ્યની યુવાની હવે ગુટખા અને અન્ય નશાકારક પદાર્થો તરફ વળી રહી છે. તેમણે જણાવ્યું કે દારૂને એક 'ટોનિક'ની જેમ પીવો જોઈએ, તેનાથી છાકટા ન બનવું જોઈએ. તેમના મતે, બહુમતી ગુજરાતીઓ આ ખોટી દારૂબંધીની વિરુદ્ધમાં છે અને હવે સમય આવી ગયો છે કે આ નીતિને જડમૂળથી દૂર કરવામાં આવે.

પોલીસની કામગીરી અને માનસિકતા પર સવાલ

દારૂની મહેફિલમાંથી પકડાતા યુવાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, દારૂ પીતા પકડાયેલા લોકો જાણે કોઈ મોટું મર્ડર, બળાત્કાર કે લૂંટ કરી હોય તે રીતે રજૂ કરવામાં આવે છે. પોલીસે મર્યાદા રાખવી જોઈએ અને યુવાનોના મોઢા મીડિયામાં બતાવી તેમને બદનામ ન કરવા જોઈએ.

ગાંધી-સરદારના નામે રાજનીતિ બંધ કરો

વાઘેલાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં ગાંધી અને સરદારના નામે હવે હદ થઈ ગઈ છે. તેમણે લોકોને અપીલ કરી કે જે પક્ષ કે નેતા ગુજરાતમાંથી આ દારૂબંધીનું નાટક દૂર કરવાની હિંમત બતાવે તેને જ મત આપવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે કુત્રિમ કંટ્રોલવાળી આ નીતિથી રાજ્યને કોઈ ફાયદો થયો નથી, માત્ર ભ્રષ્ટાચાર વધ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: