હાલ સમગ્ર રાજ્યમાં SIR હેઠળ મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં BLO દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવે છે. BLOની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. જે કારણે શિક્ષકો તણાવ અનુભવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. આ વચ્ચે BLOની કામગીરી કરતા એક શિક્ષકે આત્મહત્યા પણ કરી લીધી છે. આ ઉપરાંત 3 BLOની કામગીરી કરતા શિક્ષકોને હાર્ટએટેક આવ્યો છે. આવામાં આપણા મનમાં એક સવાલ ચોક્કસથી થાય કે, આ BLO છે શું? અને તે કેવી કામગીરી કરે છે?


બૂથ લેવલ ઓફિસર (BLO) ની ભૂમિકા અત્યંત નિર્ણાયક 

ભારતમાં લોકશાહીની મજબૂતી માટે સ્વચ્છ અને સચોટ મતદાર યાદી અનિવાર્ય છે, અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા નિયુક્ત બૂથ લેવલ ઓફિસર (BLO) ની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની ભાગીદારી વધારવા અને ગેરરીતિઓ ઘટાડવા માટે BLOની આ નવી વ્યવસ્થાએ નોંધપાત્ર સફળતા મેળવી છે.

ગુજરાતમાં આ કામગીરી સરકારી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે

BLO એ સ્થાનિક સરકારી/અર્ધ-સરકારી કક્ષાના અધિકારી હોય છે, જેઓ પોતાના મતદાન વિસ્તારના સ્થાનિક મતદારોથી પરિચિત હોય છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13B (2) હેઠળ તેમની નિમણૂક કરવામાં આવે છે. તેઓ ECI ના જમીની સ્તરના પ્રતિનિધિ તરીકે કામ કરે છે અને મતદાર યાદીના પુનરીક્ષણની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેઓ મતદાન મથક સ્તરે મતદાર યાદીના 'સંરક્ષક' તરીકેની જવાબદારી નિભાવે છે. હાલ ગુજરાતમાં આ કામગીરી સરકારી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે.

શું છે BLOની જવાબદારી?

ECI દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી સિસ્ટમ હેઠળ, BLOની સ્પષ્ટ જવાબદારી નક્કી કરવામાં આવી છે. તેઓ લાયક નાગરિકોને મતદાર બનવામાં અને EPIC (મતદાર ઓળખ કાર્ડ) મેળવવામાં મદદ કરે છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે દૂર કરવા માટે વિવિધ ફોર્મ પૂરા પાડે છે, ભૌતિક ચકાસણી કરે છે, અને તેનો અહેવાલ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) ને આપે છે.

સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતામાં મતદારોનો વિશ્વાસ વધે છે

BLO સ્થાનિક લોકો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને મૃત, સ્થળાંતરિત, અથવા ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરે છે, જેથી કાયદાકીય પ્રક્રિયા બાદ આવા નામોને યાદીમાંથી દૂર કરી શકાય. આ અગાઉ, ઉમેદવારો દ્વારા વિતરણ થતી મતદાર ઓળખની પર્ચીઓને બદલે, BLO દ્વારા સીધું અને સચોટ વિતરણ થવાથી સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતામાં મતદારોનો વિશ્વાસ વધે છે.

આ પણ વાંચો - Vadodara News : ગુજરાતમાં વધુ 1 BLO સહાયકનું તબિયત લથડતા મોત, અત્યાર સુધી રાજયમાં 4 BLOના મોત થતા શિક્ષકોમાં રોષની લાગણી

  • Follow us on: