રાજ્યના પાટનગર ગણાતા અને શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા માટે જાણીતા ગાંધીનગર શહેરમાં આજે ટ્રાફિક નિયમોના ભંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની ઓળખ ગણાતી સિટી બસના ચાલકો જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. શહેરના અનેક વ્યસ્ત માર્ગો પર સિટી બસના ડ્રાઈવરો ટ્રાફિક સિગ્નલને અનુસરવાને બદલે લાલ સિગ્નલ હોવા છતાં બેફામ રીતે બસ હંકારી રહ્યા છે, જેના કારણે જાહેર સુરક્ષા સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે.
ટ્રાફિક નિયમોના ભંગની ચોંકાવનારી ઘટના
એક વ્યસ્ત ચોરાહા પર જ્યારે લાલ સિગ્નલ ચાલુ હતું અને અન્ય વાહનો ઉભા હતા, ત્યારે એક સિટી બસના ચાલકે વાહન થોભાવવાને બદલે સીધું જ ચોરાહું પાર કરી લીધું હતું. આ ગંભીર બેદરકારીને કારણે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને પાદચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ પ્રકારની ઘટનાઓ માત્ર એક જગ્યાએ નહીં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વારંવાર જોવા મળી રહી છે, જે તંત્રની રહેમનજર હેઠળ ચાલતી હોય તેવું પ્રતીત થાય છે.













