રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી ઉત્થાન અને ગ્રામજનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમલી 'વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન મહાત્મા ગાંધીના 'ગ્રામ સ્વરાજ' અને 'સ્વાવલંબી ગામડા'ના વિઝનને સાકાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ કદમ છે.આ યોજનાની મુખ્ય વિશેષતાઓ અને ઉદ્દેશ્યો વિશે વિગતવાર ચર્ચા કરતાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ યોજના હેઠળ ગ્રામીણ શ્રમિકોને વર્ષમાં ૧૨૫ દિવસની લઘુત્તમ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે. આ યોજનામાં માત્ર શ્રમ નહીં, પરંતુ ગામમાં પાકા રસ્તા, અમૃત સરોવર, આંગણવાડી, પંચાયત ભવન અને ચેકડેમ જેવી કાયમી અને ટકાઉ મિલકતો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કૌશલ્ય વર્ધક તાલીમ આપવામાં આવશે
તેમણે જણાવ્યું કે શ્રમિકોને માત્ર મજૂરી સુધી સીમિત ન રાખતા, તેમને કડિયો, પ્લમ્બર કે સોલાર ટેકનિશિયન જેવી કૌશલ્ય વર્ધક તાલીમ આપવામાં આવશે. ભ્રષ્ટાચાર રોકવા માટે ફેસ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) દ્વારા હાજરી, કામનું જીઓ-ટેગિંગ અને મોટા પ્રોજેક્ટ્સનું ડ્રોન મોનિટરિંગ કરવામાં પણ આવશે. શ્રમિકોના વેતનની ચૂકવણી વચેટિયાઓ વગર સીધી જ તેમના બેંક ખાતામાં કરવામાં આવશે. ખેતીની સીઝન દરમિયાન શ્રમિકોને ૬૦ દિવસનો મોસમી વિરામ આપવામાં આવશે જેથી કૃષિ કાર્યને અસર ન પહોંચે. ઉપરાંત, પશુ શેડ અને ગોદામો જેવા કામો દ્વારા ખેતીને આર્થિક ટેકો અપાશે.
રાજ્ય સરકારનો હકારાત્મક અભિપ્રાય
આમ, આ મિશન દ્વારા ગામડાઓને માત્ર મજૂરીના કેન્દ્ર નહીં, પણ 'આર્થિક ગતિવિધિના કેન્દ્ર' (Economic Hub) બનાવવામાં આવશે, જેથી યુવાનોનું શહેરો તરફનું સ્થળાંતર અટકે અને ગ્રામીણ જીવનધોરણમાં સુધારો કરવાનો હોવાનું મંત્રી પટેલે ઉમેર્યું હતું.આ અંગે વાત કરતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે સંસદ દ્વારા પસાર કરાયેલા ‘વીબી–જી રામ જી અધિનિયમ, ૨૦૨૫’ અંગે રાજ્ય સરકારનો હકારાત્મક અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે આ ઐતિહાસિક અધિનિયમ હેઠળ ગ્રામીણ પરિવારોને હવે વર્ષમાં ૧૦૦ને બદલે ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. ખેતીની સીઝન દરમિયાન મજૂરોની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારો ૬૦ દિવસનો ‘નો વર્ક પિરિયડ’ નક્કી કરી શકશે.
બેરોજગારી ભથ્થું અને વેતન ચૂકવણી
આ મિશન અંતર્ગત શ્રમિક હિત વિશે નાત કરતાં તેમણે કહ્યું કે ૧૫ દિવસમાં કામ ન મળે તો બેરોજગારી ભથ્થું અને વેતન ચૂકવણીમાં વિલંબ બદલ વળતરની જોગવાઈ છે. તદુપરાંત, જળ સુરક્ષા, ગ્રામીણ માળખાગત સુવિધાઓ, આજીવિકા વૃદ્ધિ અને ક્લાઈમેટ ચેન્જ સામે રક્ષણ આપતા કાર્યો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શ્રમ મંત્રીએ કહ્યું કે આ યોજનાને પીએમ ગતિ શક્તિ પોર્ટલ સાથે સાંકળી GPS, જિયો-ટેગિંગ અને AI દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ૬૦:૪૦ ના આર્થિક સહયોગથી ચાલનારી આ યોજના ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપી શ્રમિકોનું સન્માન જાળવશે. કેન્દ્રની માર્ગદર્શિકા બાદ ૬ માસમાં રાજ્ય સરકાર આ અંગેના નિયમો નોટિફાય કરશે.આમ, વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (VB-G RAMG) અંગે દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલો બિનસરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં સ્વીકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Surat News: દુબઈ અને ગુઆંગઝૂ જેવું વૈશ્વિક ટ્રેડિંગ હબ બનવા તરફ દક્ષિણ ગુજરાતની દોટ