ગીર સોમનાથના મુખ્ય વહીવટી મથક ગણાતા વેરાવળ સ્થિત જિલ્લા પંચાયત ભવનમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક ઝેરી કોબ્રા સાપ ભવનની અંદર ઘૂસી આવ્યો હતો. સરકારી કચેરીમાં સાપ દેખાતા કર્મચારીઓ અને કામકાજ અર્થે આવેલા અરજદારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.


મુખ્ય દરવાજા પાસે જ જમાવ્યું સ્થાન

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ કદાવર કોબ્રા સાપ આરોગ્ય વિભાગ તરફના પાછળના ભાગેથી ભવનની અંદર પ્રવેશ્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે આ ઝેરી સાપે કચેરીના મુખ્ય દરવાજા પાસે જ ફેણ ચડાવીને પોતાનું સ્થાન જમાવી લીધું હતું. કર્મચારીઓની અવરજવર વચ્ચે અચાનક ફેણ ચડાવેલો સાપ જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભયના માર્યા કર્મચારીઓ ઓફિસની બહાર દોડી ગયા હતા.

કર્મચારીઓએ હિંમત દાખવી સાપને કાઢ્યો

કચેરીમાં સાપ હોવાની જાણ થતા જ કામકાજ થંભી ગયું હતું. અંતે કેટલાક હિંમતવાન કર્મચારીઓએ એકઠા થઈને લાકડીની મદદથી કોબ્રાને સાવચેતીપૂર્વક મુખ્ય ભવનની બહાર કાઢ્યો હતો. ભવનની બહાર નીકળ્યા બાદ કોબ્રા નજીકના જાળી-ઝાંખરા વાળા વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને મોટી દુર્ઘટના ટળી છે.

સફાઈ અને સુરક્ષાની માગ

જિલ્લા પંચાયત ભવનનું ગ્રાઉન્ડ અત્યંત વિશાળ છે, અને અવાવરું જગ્યામાં ઝાડી-ઝાંખરા વધી ગયા હોવાથી અવારનવાર વન્ય જીવો અને ઝેરી જંતુઓ દેખાતા હોય છે. રોજ હજારો અરજદારો અને સેંકડો કર્મચારીઓ અહીં આવતા હોવાથી લોકોના જીવ જોખમમાં છે. સ્થાનિક કર્મચારીઓએ માગ કરી છે કે, પરિસરમાં તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન સર્જાય.


આ પણ વાંચો - Gir Somnath News: શિકારની શોધમાં નીકળ્યો દીપડો, જુઓ Video


  • Follow us on: