ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દલિતો પર અત્યાચારની ઘટના ખૂબ જ ચર્ચાઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને હવે કોર્ટે સમગ્ર કેસમાં પાંચ આરોપીઓને દોષિત ઠેરવીને તેમને પાંચ પાંચ વર્ષની સજા ફટકારી છે. જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસ ચાલી રહ્યો હતો ત્યાં સુધીમાં બે આરોપીઓના મોત નિપજ્યા હતાં. જાણો શું છે આ સમગ્ર બહુચર્ચિત ઉના કાંડની ઘટના.
સમગ્ર દેશમાં તેનો પડઘો પડ્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં 11 જુલાઈ 2016ના રોજ દલિત સમાજના સાત લોકોને મૃત ગાયનું ચામડુ ઉતારવાની શંકા રાખીને કેટલાક લોકોએ જીવલેણ માર માર્યો હતો. કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઈપો જેવા હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને સમગ્ર દેશમાં તેનો પડઘો પડ્યો હતો.













