ગીર ગઢડા પંથકમાં હાલમાં રવિપાકની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર સમયસર ન મળવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી જ વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લગાવવાની ફરજ પડી રહી છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો ખાતર માટે વલખાં મારી રહ્યા છે, જેના કારણે તેમના સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે.


ખેડૂતો ફરી મુશ્કેલીમાં

મહત્વનું છે કે, જો પાકને યોગ્ય સમયે ખાતર ન મળે તો ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે, જે ખેડૂતો માટે આર્થિક નુકસાનકારક સાબિત થશે. ખેડૂતોની મુખ્ય માગણી છે કે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ દ્વારા યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને સુચારુ બનાવવામાં આવે. આક્રોશિત ખેડૂતોએ તંત્રને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે મજબૂર બનશે. ખેડૂતોની આ હાલાકી રાજ્યમાં કૃષિ ઉત્પાદન અને ખેડૂત કલ્યાણના દાવાઓ સામે મોટો સવાલ પેદા કરે છે.

આ પણ વાંચો : Ahmedabad News : ચાંગોદર બ્રિજ પર બસનું ટાયર નીકળતા સર્જાયો ભયંકર અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

  • Follow us on: