ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં માધુપુર ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર જઈ રહેલી એસટી (ST) બસની પાછળ એક કાર ધડાકાભેર અથડાતા અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં કારચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.


માધુપુર ગામ નજીક બસને પાછળથી કારે ટક્કર મારી

તાલાલાના માધુપુર ગામ પાસે માર્ગ પર પસાર થઈ રહેલી એસટી બસની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ બસની પાછળના હિસ્સામાં ફસાઈ ગયો હતો. ટક્કરને કારણે થયેલા જોરદાર અવાજને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.

ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે ખસેડાયો

ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તાલાળાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: