ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવંત્રી ગામે બનેલી હીંચકારી ઘટનામાં પોલીસે લાલ આંખ કરી છે. જમીન વિવાદમાં એક મકાન પર હુમલો કરી વૃદ્ધાનું મોત નીપજાવનાર આરોપીઓને ઝડપી પાડી પોલીસે આજે તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જાવંત્રી ગામે જમીન મામલે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ એક મકાનને નિશાન બનાવી તેના પર પેટ્રોલ બોમ્બ ફેંકી આગ લગાવી દીધી હતી.


4 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

એટલું જ નહીં, હુમલાખોરોએ જામગરી બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું હતું. આ ભયાનક હુમલામાં મકાનમાં હાજર 75 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું. આ ચકચારી કેસમાં તાલાલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. ગુનેગારોમાં પોલીસનો ભય રહે અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાય તે હેતુથી પોલીસે: મુખ્ય 4 પુરુષ આરોપીઓને ઘટનાસ્થળે અને જાહેર માર્ગો પર ફેરવ્યા હતા.

પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીની કરી ધરપકડ

પોલીસ દ્વારા આ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. વૃદ્ધાના મોતને પગલે ગ્રામજનોમાં ભારે રોષ હતો, પરંતુ પોલીસની આ આકરી કાર્યવાહી બાદ લોકોએ તંત્રની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો છે. હુમલામાં વપરાયેલા હથિયારો અને વિસ્ફોટકોના સ્ત્રોત અંગે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: