ગોંડલ તાલુકાના રીબડા GIDC વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. GIDCના એક નિર્જન ખાડામાંથી અંદાજે 4 વર્ષનું એક માસૂમ બાળક લોહીલુહાણ અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોને બાળક મળી આવ્યા બાદ જાણ થતાં તુરંત 112 જનરક્ષક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
108 દ્વારા બાળકને રાજકોટ સિવિલ ખસેડાયું
તે સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલી એમ.એમ. ટ્રસ્ટની ટીમ પણ મદદે દોડી આવી હતી. બાળકની હાલત એટલી દયનીય હતી કે તેના કાન, નાક અને મોઢાના ભાગે કીડીઓ ચડી ગઈ હતી. સેવાભાવી યુવાનોએ તાત્કાલિક બાળકને સાફ કરી પ્રાથમિક સારવારની પ્રક્રિયા હાથ ધરી હતી. બાળકને પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સભ્યોએ તેની સંભાળ લીધી હતી.













