ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ લાવવાના ઉદ્દેશ્યથી ઇનામી જમીનોના અનધિકૃત કબજાહક્કને નિયમબદ્ધ કરવાનો એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, જે જમીનો રી-ગ્રાન્ટ કરવામાં આવી હોય પરંતુ તેની કબજાકિંમત ભરવાની બાકી હોય, અથવા જે જમીનો રી-ગ્રાન્ટ કરવાને પાત્ર હોવા છતાં કોઈ ટેકનિકલ કારણોસર હજુ સુધી રી-ગ્રાન્ટ થઈ શકી નથી, તેવી તમામ જમીનોને હવે કાયદેસરની માન્યતા મળી શકશે. સરકારના આ પગલાથી વર્ષોથી જમીનના પ્રશ્નોમાં અટવાયેલા મધ્યમવર્ગીય પરિવારો અને ખેડૂતોને મોટી રાહત મળશે.
આ યોજનાનો લાભ કોને કોને મળશે?
આ નવી જોગવાઈ મુજબ આવી જમીનોના ધારકોએ હવે પ્રવર્તમાન જંત્રીના માત્ર 20 ટકા જેટલી કબજાહક્કની રકમ ભરીને પોતાના કબજાને નિયમબદ્ધ કરી શકશે. આ યોજનાનો લાભ માત્ર મૂળ ધારકો પૂરતો સીમિત નથી, પરંતુ જો આવી જમીનોના વારસદારો હાલમાં અનઅધિકૃત રીતે જમીન ધારણ કરી રહ્યા હોય, તો તેઓ પણ આ પ્રક્રિયાનો હિસ્સો બની શકશે. વધુમાં, જો ભૂતકાળમાં આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલમાં અન્ય કોઈ વ્યક્તિ તેના કબજામાં હોય, તો તેવા વર્તમાન કબજેદારો પણ નિર્ધારિત રકમ ભરીને જમીન પોતાના નામે કાયદેસર કરાવી શકશે.













