ગુજરાતમાં આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. પાંચ કિ.મી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. દાહોદ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, મોડાસા, અરવલ્લી, નર્મદા અને દીવ સહિતના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે. માવઠાના કારણે ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પૂર્વે પડેલા આ વરસાદે જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.













