ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ખેરોજ પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.


કુલ 900 બોટલનો જથ્થો જપ્ત

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાની ખેરોજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રેડ કરવામાં આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 900 બોટલો કબ્જે કરવામાં આવી છે. આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂપિયા 11,70,000 થાય છે. પોલીસની આ આકસ્મિક તવાઈથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રૂપિયા 13.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસ કાર્યવાહી દરમિયાન માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરીમાં વપરાતા અન્ય સાધનો અને મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દારૂ અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ રૂપિયા 13,76,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેરોજ પોલીસની આ કામગીરીને પ્રોહિબિશનનો એક ગણનાપાત્ર કેસ માનવામાં આવી રહ્યો છે.

તપાસનો ધમધમાટ

આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અને કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેના નામ ખૂલે તેવી શક્યતા છે. ખેરોજ પોલીસની આ સતર્કતાને કારણે મોટા પાયે થતી દારૂની હેરાફેરી પર રોક લાગી છે.


આ પણ વાંચો - Sabarkantha News: ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર પોલીસનું ચેકિંગ, ખાનગી એજન્સીઓ પણ એલર્ટ


  • Follow us on: