સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આગીયોલ પાસેથી LCB ટીમે 81 લાખ રૂપિયાના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. આ મામલે, પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરી અને રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ગુનો નોંધ્યો છે.


વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસને બાતમી મળી હતી કે શામળાજી તરફથી અમદાવાદ જઈ રહેલા એક ટાટા ટ્રકમાં બટાકાના કોથળાઓની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવે પર આગીયોલ ગામ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

20,436 બોટલ વિદેશી દારૂ 

બાતમી મુજબનો ટ્રક જોઈને તેને રોકવામાં આવ્યો. ટ્રકના ચાલકનું નામ બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણ (ઉમ્ર 40, લુનકરનસર, બિકાનેર, રાજસ્થાન) હતું. તપાસ કરતાં ટ્રકના પાછળના ભાગે બટાકાના કોથળાની પાછળથી દારુની 503 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 20,436 બોટલ વિદેશી દારૂ હતો.

જપ્ત થયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત

આ વિદેશી દારૂનો જથ્થો રૂ. 81,06,000 ના આંકવામાં આવ્યો છે. પોલીસે ટ્રકમાંથી અન્ય મુદામાલ પણ જપ્ત કર્યો, જેમાં બે મોબાઈલ (રૂ. 15,000), રોકડ (રૂ. 1,500), ટાટા ટ્રક (રૂ. 20,00,000), 215 બટાકાના કોથળા (રૂ. 53,750), GPS ડિવાઇસ (રૂ. 500) અને દારૂનો જથ્થો સમાવિષ્ટ છે. કુલ મળીને રૂ. 1,01,76,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આગળની કાર્યવાહી

આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રક ચાલક ઉપરાંત, એક અન્ય વ્યક્તિ, યશવંત, ફરાર છે. યશવંતે ટ્રકમાં દારૂનો જથ્થો ભરાવ્યો હતો પોલીસ હવે યશવંતની શોધખોળ કરી રહી છે.


આ પણ વાંચો-----    Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

  • Follow us on: