વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ‘સુશાસન’ની વ્યાખ્યા માત્ર કાગળ પર નહીં, પણ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં પ્રતિબિંબિત થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘી સારવારના કારણે દેવાના બોજ તળે ન દબાય તે માટે સરકારની સંવેદનશીલ શાસન વ્યવસ્થાએ ‘આયુષ્માન કાર્ડ’ રૂપી રક્ષાકવચ પૂરું પાડ્યું છે.સાબરકાંઠામાં શાસનની આ પ્રતિબદ્ધતાના પરિણામે પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીના ટૂંકા ગાળામાં જ ૧૬,૫૬૩ ક્લેમ અંતર્ગત રૂ. ૩૫.૬૭ કરોડથી વધુની રકમ ખર્ચીને હજારો નાગરિકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી છે.
વક્તાપુરના પઠાણ પરિવાર માટે આશીર્વાદરૂપ બની યોજના
સાબરકાંઠા જિલ્લાના વક્તાપુર ગામના રહીશ ઇરફાન ખાન યુસુફ ખાન પઠાણ અને તેમના પરિવાર માટે ભારત સરકારની 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઇરફાન ખાન વર્ષ ૨૦૧૮થી કિડનીની બીમારી માટે નિયમિત ડાયાલિસિસ કરાવી રહ્યા છે, સાથે જ તેમના પુત્રના કાનનું ખર્ચાળ ઓપરેશન પણ આ યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. ઇરફાન ખાને ભાવુક હૃદયે સરકારનો આભાર માનતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડને કારણે જ તેમનો પરિવાર આર્થિક પાયમાલીમાંથી બચ્યો છે.













