ખેડબ્રહ્મા તાલુકાના ઊંચીધનાલ ગામ નજીક તળાવ પાસે વીજ લાઈન પર કામ કરી રહેલા ત્રણ કારીગરોને અચાનક વીજ કરંટ લાગવાની ઘટના બની હતી. ઘટનામાં ત્રણેય કારીગરોને ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


 અન્ય વીજ લાઈનને લોખંડની ઘોડી અડી જતાં અચાનક કરંટ ફેલાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંચીધનાલ ગામ પાસે તળાવ નજીક વીજ લાઈન પર સ્પેસર લગાડવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બાજુમાંથી પસાર થતી અન્ય વીજ લાઈનને લોખંડની ઘોડી અડી જતાં અચાનક કરંટ ફેલાયો હતો, જેના સંપર્કમાં આવી ત્રણ કારીગરો ઈજાગ્રસ્ત થયા હતા.

108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ

ઈજાગ્રસ્તોમાં ઈડર તાલુકાના સાબલી ગામના કિરીટભાઈ કાંતિભાઈ પરમાર (ઉ.વ. 35), અભિષેકભાઈ ગિરધારભાઈ પરમાર (ઉ.વ. 32) અને ભરતભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ. 24)નો સમાવેશ થાય છે. ઘટના સમયે સ્થળ પર હાજર અન્ય કારીગરોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ત્રણેય ઈજાગ્રસ્તોને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ લઈ જવાયા

108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ, હાલ ત્રણેયની તબિયત સ્થિર છે અને કોઈ ખતરો નથી.

લાઈન પર સ્પેસર લગાડવાની કામગીરી દરમિયાન આ અકસ્માત

વીજ લાઈન પર સ્પેસર લગાડવાની કામગીરી દરમિયાન આ અકસ્માત થયો હતો. હાલ ત્રણેય કારીગરો સલામત હોવાનું તેમણે પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો---  Surat : કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ

  • Follow us on: