સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના વાઘેલા દેરોલ ગામે પશુ ચરાવવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પશુ ચરાવવા ગયેલા એક રબારી દંપતી પર ગામના જ બે માથાભારે તત્વોએ કુહાડી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
વાઘેલા દેરોલ ગામમાં પશુ ચરાવવા મામલે હુમલો
મળતી માહિતી મુજબ, વાઘેલા દેરોલ ગામમાં પશુ ચરાવવા બાબતે લાલાભાઈ કીકાજી રબારી અને હુંરાજી કીકાજી રબારી નામના બે શખ્સોએ તકરાર શરૂ કરી હતી. અહીં ઘેટા કેમ ચરાવો છો? તેમ કહી આ બંને શખ્સોએ ફરિયાદીની પત્ની સાથે બોલાચાલી કરી બિભત્સ ગાળો ભાંડી હતી. મામલો ઉગ્ર બનતા બંને હુમલાખોરોએ લોખંડની કુહાડી અને વાંસની જાડી લાકડીઓ વડે હુમલો કર્યો હતો
દંપતીને ગંભીર ઈજાઓ
હુમલાખોરોએ દંપતી પર અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો તેમના માથાના વચ્ચેના ભાગે લોખંડની કુહાડીનો જીવલેણ ઘા ઝીંકવામાં આવ્યો હતો, તેમજ ચહેરાના ડાબા ગાલ પર કુહાડીના ઘસરકાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં જેપાભાઈ રબારી તેમને વાંસની લાકડીઓ વડે પીઠ અને સાથળના ભાગે બેફામ માર મારવામાં આવ્યો હતો.ગંભીર રીતે ઘવાયેલા પતિ-પત્નીને તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પોલીસની કાર્યવાહી: માથાભારે તત્વો જેલના સળિયા પાછળ
આ ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા પોલીસ અને ડીવાયએસપી (DySP) સહિતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાલાભાઈ અને હુંરાજી અગાઉ પણ અનેકવાર ઝઘડા કરી ચુક્યા છે અને વિસ્તારમાં માથાભારે તત્વો તરીકે ઓળખાય છે.પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા બંને આરોપીઓ, લાલા રબારી અને હુરાજી રબારીને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ગંભીર સ્થિતિ, બે વર્ષમાં 15,571 લોકોના કરૂણ મોત