સાબરકાંઠા જિલ્લાના ઈડર-ભિલોડા સ્ટેટ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ઈડરના લાલપુર નજીક મુસાફરોથી ખચોખચ ભરેલી એક ઈકો ગાડી અને પીકઅપ ડાલા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈકો ગાડીમાં સવાર 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ઇકો ગાડીમાં સવાર 10 મુસાફરો ઇજાગ્રસ્ત
અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ઈકો ગાડીમાં સવાર મોટાભાગના મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે પહેલા ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલ મુજબ, આ ઈકો ગાડીમાં ક્ષમતા (પરમિટ) કરતા ઘણા વધારે મુસાફરો બેસાડવામાં આવ્યા હતા, જે મુસાફરો માટે 'મોતની સવારી' સમાન સાબિત થઈ છે.













