સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા મીની ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો સીધો જ રસ્તાની બાજુમાં આવેલા એક ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં ઘરની બહાર રાખવામાં આવેલા માટીના વાસણો અને અન્ય ચીજવસ્તુઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.


મોતને હંફાવીને બચ્યા આધેડ

ઘટનાની મળતી માહિતી અનુસાર, છાપરીયા વિસ્તારમાં પ્રજાપતિ સમાજના લોકો માટીકામ અને માટલા બનાવવાનો વ્યવસાય કરે છે. અકસ્માત સમયે એક આધેડ વ્યક્તિ ઘરની બહાર જ ઉભા હતા, પરંતુ ટેમ્પો આવે તે પહેલા જ તેઓ ઘરમાં ગયા હતા. તેઓ ઘરમાં પ્રવેશ્યાની ગણતરીની સેકન્ડોમાં જ ટેમ્પો માટલાઓ પર ફરી વળ્યો હતો. જો આધેડ બહાર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

કારને ટક્કર મારી ટેમ્પો ઘરમાં ઘૂસ્યો

નિયંત્રણ ગુમાવનાર ટેમ્પો ચાલકે સૌ પ્રથમ ઘરની બહાર પાર્ક કરેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ટેમ્પો ઘરની દિવાલ પાસે ઘૂસી ગયો હતો. આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આસપાસના લોકો ભેગા થઈ જાય તે પહેલા જ અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આર્થિક નુકસાન અને પોલીસ તપાસ

આ અકસ્માતમાં ઘરની બહાર વેચાણ માટે રાખેલા અસંખ્ય માટલા અને માટીની ચીજવસ્તુઓ તૂટી જવાથી ગરીબ પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.


આ પણ વાંચો - Sabarkantha News : હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઇ કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો, એક વ્યક્તિનું મોત


  • Follow us on: