સાબરકાંઠાના હિંમતનગરમાં જમીન મુદ્દે થયેલા ઝગડામાં લોહિયાળ જંગ ખેલાયો હતો. કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને કૌટુંબિક ઝઘડો થયો હતો. આ ઝગડામાં મારામારી થતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જમીન મુદ્દે ઝઘડામાં લોહિયાળ જંગ ખેલાયો
મળતી માહિતી મુજબ હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.આ વિવાદે રવિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષ વચ્ચે તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી થઈ હતી.આ ઘટનામાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ મારામારી દરમિયાન અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે મૃતક ધર્મેન્દ્રસિંહ ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.













