સાબરકાંઠા જિલ્લાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ખાનગી વાહન ચાલકો વધુ કમાણીની લાલચમાં મુસાફરોના જીવ જોખમમાં મૂકી 'મોતની સવારી' કરાવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, આ બધું જ પોલીસ અને RTO તંત્રની નાકની નીચે ચાલી રહ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.


7ની પરમિટ સામે 40 મુસાફરો!

ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારને જોડતા આ હાઈવે પર દોડતી ખાનગી જીપ, ઈકો અને સટલીયા વાહનોમાં ક્ષમતા કરતા અનેકગણા મુસાફરો ભરવામાં આવે છે. જે વાહનમાં માત્ર 7 થી 8 વ્યક્તિઓની પરમિટ હોય છે, તેમાં 35 થી 40 મુસાફરોને ઘેટાં-બકરાની જેમ અંદર અને ગાડીની છત પર બેસાડવામાં આવે છે. રાહદારીઓએ આ જોખમી મુસાફરીના વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

તંત્રની મીઠી નજર અને સવાલોના ઘેરામાં પોલીસ

સામાન્ય જનતા પાસે હેલ્મેટના નામે દંડ વસૂલતી પોલીસ આ 'ખાનગી સટલીયા' ચાલકો સામે કેમ લાચાર છે? તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ખાખીની રહેમનજર હેઠળ જ આ જોખમી ખાનગી વાહનો ધમધમી રહ્યા છે. ઈડર અને વડાલી પોલીસ સહિત ટ્રાફિક વિભાગ અને RTO તંત્ર આ ગંભીર બેદરકારી સામે મૌન સેવીને બેઠું છે.




અકસ્માત થશે તો જવાબદાર કોણ?

અંબાજી હાઈવે પર અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો આ 'મોતની સવારી'માં કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું ભ્રષ્ટાચારના કારણે લોકોના જીવ જોખમમાં મૂકવાનું ચાલુ જ રહેશે?


આ પણ વાંચો - Sabarkantha News : ઇડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડાનો કેસ, વિદેશોમાં લોન આપવાની લાલચે કરાતી હતી છેતરપિંડી


  • Follow us on: