દિલ્હી અને મુંબઈને જોડતા વ્યસ્ત હિંમતનગર-ચિલોડા નેશનલ હાઈવે 48 પર રાંધણ ગેસની ભયંકર અછત સર્જાતા હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો ન મળવાને કારણે હાઈવે પરની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સના સંચાલકોએ મજબૂરીમાં પોતાના ધંધા-રોજગાર બંધ કરી તાળાબંધી કરવાની નોબત આવી છે. ગેસ વિના રસોડું ચલાવવું અશક્ય બનતા હાઈવે પરના ધમધમતા રસ્તાઓ હવે સુમસામ ભાસી રહ્યા છે.


વાહન ચાલકો સહિત રાહદારીઓને જમવા હાલાકી

આ પરિસ્થિતિને કારણે સૌથી મોટી અસર રોજગારી પર પડી છે. હોટલોમાં કામ કરતા સેંકડો પરપ્રાંતિય શ્રમિકો રાતોરાત બેરોજગાર બની ગયા છે. હોટલ સંચાલકો સામે હવે હોટલના મોંઘા ભાડા ચૂકવવા અને શ્રમિકોના પગાર કરવા એ મોટો પડકાર બની ગયો છે. બીજી તરફ, હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓને જમવા માટે ક્યાંય સુવિધા ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સંચાલકોએ સરકાર પાસે મદદ માંગી

હોટલ એસોસિએશન અને સંચાલકોએ આ મામલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ગેસની અછતને કારણે તેમનો વર્ષો જૂનો વ્યવહાર ખોરવાયો છે. સંચાલકોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને ગેસનો પુરવઠો પૂર્વવત કરવા મદદની માંગ કરી છે. જો વહેલી તકે ગેસની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો હાઈવે પરના અનેક પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: