રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં થોડાક વર્ષો અગાઉ ચડોતરું થવું તે સામાન્ય બાબત માનવામાં આવતી હતી પણ સમય બદલાયો અને તે પ્રથામાં પણ સુધારો થયો હતો. જ્યારે પણ કોઈપણ વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થાય એટલે સુ:ખદ સમાધાન કરીને તેના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે.
સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ
જોકે વર્ષો જૂની ભુલાયેલી પ્રથા ફરી એકવાર સાબરકાંઠામાં જીવંત થતી જોવા મળી રહી છે. વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ સામે ચાર દિવસથી પરિવારે મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરવાનો ઈનકાર કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની જીદ અડગ રાખી છે.
ચાર દિવસથી સગીરાના મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા વિના ધરે રાખવામાં આવ્યો
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના એક ગામની સગીર વયની દીકરી સાથે ગામના જ ઇસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે, ગામના ઈસમે સગીરાને પોતાની હવસની શિકાર બનાવી દુષ્કર્મ બાદ તેની કરુણ રીતે હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે ચાર દિવસથી સગીરાના મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા વિના ધરે રાખવામાં આવ્યો છે.
કડક કાર્યવાહી કરવામાં ન આવે તો ત્યાં સુધી પરિવારજનો અગ્નિસંસ્કાર કરવા માટે પરીવાર સહમત નથી
સગીરાના સ્વજનોના સ્પષ્ટ આક્ષેપ છે કે અમારી દીકરીને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ છે અને બાદમાં તેની હત્યા કરવામાં આવી છે એટલે અમે પોલીસમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં તેમજ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં ન આવે તો ત્યાં સુધી પરિવારજનો અગ્નિસંસ્કાર કરવા માટે પરીવાર સહમત નથી.
પોલીસ તંત્ર દ્વારા પણ સમજાવટના પ્રયાસ
ચાર દિવસ અગાઉ રાત્રિના દરમિયાન બનેલી આ કરુણ હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. હાલના તબક્કે પરિવારે ચાર દિવસથી સગીરાના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાની બદલે પીએમ કાર્યવાહી કરાવ્યા બાદ પોતાના ઘરે રાખવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવે તે પ્રમાણેની સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે પરિવારે પોતાની જીદ મક્કમ રાખી સતત ચોથા દિવસે પર મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાની બદલે તેને ઘરમાં ચડોતરું પ્રથા સ્વરૂપે મૂકી રાખ્યો છે...
પોલીસે ઘટનાને જોતા ફરિયાદ પણ દાખલ કરી
જોકે ગત મોડી રાતે પોલીસે ઘટનાને જોતા એડી તેમજ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે તે છતાં પરિવાર અને સામાજિક આગેવાનો સાથે બેઠકો ચાલી રહી છે. પોલીસ તંત્ર સમગ્ર મામલે હવે નીવેડો લાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. એટલે કહી શકાય કે અંતરિયાળ વિસ્તારમાં ચડોતરું પ્રથા આજે પણ સ્થાનિક સહિત રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની રહી છે.
આ પણ વાંચો---- Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા