હોળી-ધૂળેટીના પર્વ બાદ રંગપંચમીના અવસરે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર નજીક આવેલ ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા ભાણદા ગામે પરંપરાગત લોકમેળો યોજાયો હતો. 19મી સદીથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. હોલિકા દહનથી શરૂ થતી આ પરંપરા રંગપંચમીના મેળા સાથે પૂર્ણ થાય છે, જેમાં સંસ્કૃતિ અને લોકજીવનના અદભૂત દર્શન થયા હતા.


ગુજરાત અને રાજસ્થાનના 13 ગામોનો સંગમ

ભાણદા ગામના આ મેળામાં વિજયનગર તાલુકાના અને પાડોશી રાજ્ય રાજસ્થાનના ખેરવાડા વિસ્તારના અંદાજે 13 જેટલા ગામોના લોકો ભેગા થયા હતા. જેમાં દઢવાવ, મોજાળીયા, ભટેલા, વસાઈ, વણધોલ અને સારોલી સહિતના ગામોના લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલી આવતી આદિવાસી સમાજની આ ધરોહર આજે પણ તેટલી જ જીવંત અને આકર્ષક જણાઈ રહી છે.

ઢોલ-નગારા અને ગેરનૃત્યની જમાવટ

આ મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન ઢોલ, નગારા અને લીઝમના તાલે લોકો ગેરનૃત્ય સાથે ઝૂમી ઉઠ્યા હતા. આસપાસના ડુંગરાળ વિસ્તારો અને રોડ રસ્તાઓ માનવ મહેરામણથી ઉભરાઈ ગયા હતા. પહાડોની વચ્ચે ગુંજતો ઢોલનો નાદ અને પરંપરાગત પોશાકમાં સજ્જ લોકોના નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સીમાવર્તી વિસ્તાર હોવાને કારણે બંને રાજ્યોના લોકો વચ્ચે ભાતૃભાવ અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન પણ જોવા મળ્યું હતું. આ મેળો માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ આદિવાસી સમાજની એકતા અને તેમની 19મી સદીની પ્રાચીન પરંપરાઓને જાળવી રાખવાનું એક સશક્ત માધ્યમ સાબિત થયો છે. હજારોની જનમેદની વચ્ચે રંગપંચમીની આ ઉજવણી હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી.


આ પણ વાંચો - Sabarkantha News: રોજડ ચોકડી પાસે ઈકો કારમાં ભીષણ આગ, ગાડી બળીને ખાખ



  • Follow us on: