જામનગર-કાલાવડ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી જામનગર તરફ જઈ રહેલી એસટી બસ ખંઢેરા ગામ પાસે આવેલા છિપરા હનુમાનની ગોલાઈમાં અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 30 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એસટી બસ જ્યારે વળાંક લઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા બસ માર્ગની બાજુમાં પલટી ગઈ હતી. અકસ્માતને પગલે મુસાફરોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.


ઘાયલોને કાલાવડ અને જામનગર હોસ્પિટલ ખસેડાયા

બનાવની જાણ થતા જ કાલાવડ ગ્રામ્ય પી.આઈ. પનારા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કાલાવડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 4 મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર માટે જામનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: