ગુજરાતમાં ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહન રોકવા માટે સરકાર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે, જે અંતર્ગત જામનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં ભૂસ્તરશાસ્ત્રીની ટીમે આક્રમક ચેકિંગ હાથ ધરીને અંદાજે રૂપિયા 1.5 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બાયપાસ પરથી 5 ડમ્પરો ઝડપાયા
ઘટનાની મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમને બાતમી મળી હતી કે, જામનગર બાયપાસ રોડ પરથી રોયલ્ટી પાસ વગર ખનીજ ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતા 5 ડમ્પરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન આ વાહનો સે કોઈ પણ પ્રકારનો માન્ય રોયલ્ટી પાસ કે આધારભૂત દસ્તાવેજો મળી આવ્યા ન હતા.
રેતી અને સિલીકા સેન્ડની હેરાફેરી
વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ડમ્પરોમાં સાદી રેતી, સિલીકા સેન્ડ અને બ્લેક ટ્રેપ જેવા કિંમતી ખનીજોનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું હતું. ખાણ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ વાહનોને કબ્જે કરી નજીકના સ્ટોન ક્રશર ખાતે સુરક્ષિત કસ્ટડીમાં સોંપ્યા છે.
કાયદેસરની કાર્યવાહી અને આગામી આયોજન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની બજાર કિંમત આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે. હાલમાં આ મામલે પકડાયેલા વાહન ચાલકો અને માલિકો વિરુદ્ધ દંડકીય તેમજ કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ માર્ગો પર આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રહેશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો - Jamnagar News: 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા