જામનગર તાલુકાના સચાણા ગામમાં 2026ના પ્રારંભે જ એક માછીમાર આધેડની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. માછીમારી ઝાળના પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થયા બાદ સચાણામા 10 સભ્યો પર હુમલો થતાં તંગદિલી સર્જાઈ હતી.જેમાં એક વ્યક્તિનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયા છે.પોલીસે ફરિયાદના આધારે 14 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે 7 આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.જેમાં 6 શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
માછીમારીની જાળના પૈસા બાબતે વિવાદ
જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા માછીમારી સાથે જોડાયેલા હાજી બચુભાઈએ અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની ઝાળ ખરીદી હતી.જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જેમાંથી 4 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીની રકમ તા.1 જાન્યુઆરીના રોજ આપવાનું નક્કી કરાયુ હતું.જોકે આ દરમિયાન અકબર દાઉદ બુચડને રૂપિયા 31 તારીખે જ જોઈતા હોવાથી માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખીને આરોપી ગઈકાલે સાંજે તેના અન્ય સાગરીતો સાથે હાજી બચુ કકલ અને તેના પરિવારની ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હુમલો કર્યો હતો.













