જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ખનીજ માફિયાઓનો ગ્રાફ એટલો ઉંચો ગયો છે કે હવે તેઓ કાયદા અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા છે. જોડિયાના રણજીતપર ગામે ગેરકાયદેસર રીતે નદી નાળામાંથી રેતીની ચોરી કરતા માફિયાઓને રોકવા જવું ગ્રામજનોને ભારે પડ્યું છે.રેતી ભરેલા ડમ્પર અટકાવતા ઉશ્કેરાયેલા માફિયાઓએ સ્થાનિક ખેડૂતો પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.


જોડીયામાં ખનીજ માફિયાનો ગ્રામજનો પર હુમલો

મળતી માહિતી પ્રમાણે જામનગરમના રણજીતપરના ગામના 33 વર્ષીય એક જાગૃત ખેડૂત રમેશભાઇ રણછોડભાઇ રાઠોડ, અન્ય ગ્રામજનો ભૂમિતભાઈ ગાંગાણી અને જયંતીભાઈ રાઠોડ સાથે મળીને ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનને રોકવા ગયા હતા. જ્યારે આ લોકોએ રેતી ભરેલા ડમ્પરને અટકાવી પૂછપરછ કરી, ત્યારે બાલંભા ગામના કુખ્યાત શખ્સો નિલેશ માલવીયા, રૈનિસ પટેલ અને તેમના એક અજાણ્યા સાગરીતે કાયદો હાથમાં લીધો હતો. આ ત્રણેય ઈસમોએ લાકડાના ધોકા વડે ગ્રામજનો પર તૂટી પડીને 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

પોલીસ કાર્યવાહી અને તપાસ

આ હુમલા બાદ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોડિયા પોલીસે આ મામલે નિલેશ માલવીયા અને રૈનિસ પટેલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં ખનીજ ચોરીનું દૂષણ એટલું વકર્યું છે કે ગ્રામજનોએ આ મામલે સીધી મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ફરિયાદ મોકલી છે.

આ પણ વાંચોઃ Navsari: લોન વુલ્ફ એટેકનું આતંકી ષડયંત્ર નિષ્ફળ,ATSની તપાસમાં ફૈઝાનના ખતરનાક ઈરાદાઓનો પર્દાફાશ!


  • Follow us on: