જામનગર શહેરમાં વાહન પર ફેન્સી અને ફેક (નકલી) નંબર પ્લેટ લગાવીને વટ પાડતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતા એક યુવકનો પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની સતર્કતાના કારણે ભાંડો ફૂટી ગયો છે. ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરીને એક્ટિવા ચાલક યુવકની ધરપકડ કરી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.


એક્ટિવાની ડેકીમાંથી અસલી નંબર પ્લેટ મળી

મળતી વિગતો મુજબ, પૃથ્વી રમેશ નડિયાપરા નામનો યુવક પોતાના એક્ટિવા સ્કૂટર પર 'GJ-10-EK-1111' નંબરની ફેન્સી પ્લેટ લગાવીને ફરતો હતો. સીસીટીવી કેમેરા દ્વારા આ નંબરનું ક્રોસ વેરિફિકેશન કરાતાં આ ‘1111’ નંબર રોયલ એનફિલ્ડ બુલેટનો હોવાનું ખુલ્યું હતું. ટ્રાફિક પોલીસે તેને રોકી તપાસ કરતાં એક્ટિવાની ડેકીમાંથી તેની અસલી નંબર પ્લેટ 'GJ-10-EK-1508' મળી આવી હતી.

અન્ય ગુનાહિત કનેક્શન અંગે પોલીસ તપાસ શરૂ

પૂછપરછમાં સામે આવ્યું કે માત્ર વટ અને રોફ જમાવવા માટે જ યુવકે અસલી નંબર પ્લેટ છુપાવીને બુલેટનો વીઆઇપી નંબર લગાવ્યો હતો. પોલીસે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરવા બદલ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આ નકલી નંબર પ્લેટનો ઉપયોગ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માટે કરવામાં આવતો હતો કે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: