જામનગરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી રખડતા શ્વાનોના ખસીકરણ (Sterilization)ની કામગીરી વિવાદોના વંટોળે ચડી છે. તંત્ર દ્વારા આડેધડ અને બેદરકારીપૂર્વક કરવામાં આવતી સર્જરીના કારણે નિર્દોષ શ્વાનો લોહીલુહાણ હાલતમાં તરફડીને મોતને ભેટી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ અમાનવીય પરિસ્થિતિને પગલે જામનગરના શ્વાન પ્રેમીઓ અને પશુ કલ્યાણ સંસ્થાઓમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ભૂખ-તરસ અને ઇન્ફેક્શનના કારણે શ્વાનોના મોત
પશુ પ્રેમીઓ દ્વારા મીડિયા સમક્ષ ખસીકરણ કેન્દ્રના ચોંકાવનારા સીસીટીવી (CCTV) અને વીડિયો ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે સર્જરી કર્યા બાદ આ અબોલ જીવોને કોઈ પણ પ્રકારની પોસ્ટ-ઓપરેટિવ કેર (ઓપરેશન પછીની સંભાળ) આપવામાં આવતી નથી. એનિમલ લવર્સના જણાવ્યા મુજબ, કેન્દ્રમાં રાખવામાં આવેલા ઓપરેટેડ શ્વાનોને પૂરતા પ્રમાણમાં ભોજન કે પીવાનું પાણી પણ નસીબ થતું નથી, જેના કારણે તેઓ ભૂખ, તરસ અને સર્જરીના ઘાના ઇન્ફેક્શનથી પીડાઈને દમ તોડી રહ્યા છે.













