આગામી મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પતંગની દોરીથી વાહનચાલકોના ગળા કપાવવાની અને ગંભીર અકસ્માતની ઘટનાઓ રોકવા માટે જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટુ-વ્હીલર ચાલકો માટે ખાસ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


વાહનચાલકોની સુરક્ષા માટે 'સેફ્ટી ગાર્ડ'નું વિતરણ

પતંગની દોરી જીવલેણ સાબિત ન થાય તે માટે જામનગર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમની ગાડી પર સેફ્ટી ગાર્ડ (પ્રોટેક્શન વાયર) લગાવી આપવામાં આવ્યા હતા. આ ગાર્ડના કારણે જો અચાનક પતંગની દોરી વાહન આડે આવે, તો તે ચાલકના ગળા સુધી પહોંચવાને બદલે ગાર્ડમાં અટકી જાય છે, જેનાથી ગંભીર ઈજા કે મૃત્યુનું જોખમ ટાળી શકાય છે.

પોલીસની જાહેર જનતાને ખાસ અપીલ

આ ઝુંબેશ દરમિયાન જામનગર પોલીસ અધિકારીઓએ વાહનચાલકોને નમ્ર અપીલ કરી હતી કે, ઉત્તરાયણના તહેવાર દરમિયાન બને ત્યાં સુધી ગળામાં મફલર કે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો. તેમજ વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવીને જ ડ્રાઈવ કરવું. જામનગર પોલીસની આ કામગીરીને નગરજનોએ બિરદાવી હતી અને સલામતીના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી.

અકસ્માતો ઘટાડવા પોલીસ સજ્જ

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મકરસંક્રાંતિ પર અનેક નિર્દોષ વાહનચાલકો ચાઈનીઝ કે કાચ પાયેલી દોરીનો શિકાર બનતા હોય છે. જામનગર પોલીસ દ્વારા આ વર્ષે અગાઉથી જ સતર્કતા દાખવીને લોકોના જીવ બચાવવા માટે આ ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. માત્ર દંડ વસૂલવાને બદલે લોકોની સુરક્ષા માટે ગાર્ડ લગાવી આપવાની આ પહેલ સોશિયલ મીડિયામાં પણ વાહવાહી મેળવી રહી છે.


આ પણ વાંચો - Jamnagar : પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 6 માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનું વિતરણ, લોકોને મુશ્કેલી


  • Follow us on: