જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં નળ વાટે ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા પાણી બાબતે રજૂઆત કર્યા બાદ પણ કોઈ ધ્યાન આપતું ન હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે તંત્ર ઇન્દોરમાં થતી દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે કે શું એ સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 6 માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનું વિતરણ
જામનગરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 6 માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનુ વિતરણ થતુ હોવાના આક્રોશ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.જેના પગલે રોગચાળાનો પણ ખતરો તોળાઇ રહયો છે.
જામનગર મહાનગરપાલિકાની કથિત ઘોર બેદરકારી કોઈ મોટી જાનહાનિ નોતરે તેવી ભીતિ
શહેરના પટેલ કોલોની શેરી નં. 9, રોડ નં. 2 પર શ્રી ગણેશ ટેનામેન્ટસ અને તેની આજુબાજુના વિસ્તાર જેમાં અંદાજિત 2000 જેટલા લોકો વસવાટ કરે છે જ્યાં છેલ્લા કેટલાક સમયથી નળ વાટે દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની ઘટના હજુ તાજી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની કથિત ઘોર બેદરકારી કોઈ મોટી જાનહાનિ નોતરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
પાણીનો રંગ કાળો હોવાથી તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયું છે
રહીશોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં કથિત ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. પાણીનો રંગ કાળો અને અત્યંત દુર્ગંધ મારતું હોવાથી તેનો ઉપયોગ કરવો તો દૂર, તેને અડવું પણ મુશ્કેલ બની ગયું છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ હલ ન કરાયો હોવાનો આક્રોશ પણ તેમણે વ્યકત કર્યો હતો. નળ સંબંધિત વિસ્તારમાં લાઇનની મરામત બાદ પણ હજુ સુધી દુષિત જળની સમસ્યા મહદઅંશે યથાવત રહેવા પામી છે. જેના કારણે લોકો પીવામાં પાણીનો ઉપયોગ કરી શકતા નથી અને બહારથી વેચાતું પાણી લઈ પી રહ્યાં છે.
વેરો વસૂલતું તંત્ર જો શુદ્ધ પીવાનું પાણી પણ પૂરું પાડી શકતું ન હોય, તો તે અત્યંત શરમજનક બાબત
પ્રજા પાસેથી વેરો વસૂલતું તંત્ર જો શુદ્ધ પીવાનું પાણી પણ પૂરું પાડી શકતું ન હોય, તો તે અત્યંત શરમજનક બાબત ગણાય. હાલ સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક પીવાના પાણીની લાઈન ચેક કરી નવી પાઇપ લાઈન ફિટ કરવામાં આવે જેથી આ સમસ્યાનો નિવેડો લાવી શકાય...
આ પણ વાંચો----- Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ