રાજકોટ જિલ્લાના જસદણ તાલુકના કનેસરા ગામે પિતા બટુક કુકડીયા (ઉંમર વર્ષ 55)એ સગા પુત્ર મહેશ કુકડીયા(ઉંમર વર્ષ 31)ની હત્યા કરી હતી. જેમાં મૃતકના માતા રેખાબેનની જુબાનીના આધારે પિતા બટુકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.


રેખાબેન બટુકભાઈ કુકડીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી

આ કેસની વિગત મુજબ, તા.10/03/2023 ના રોજ ફરીયાદી રેખાબેન બટુકભાઈ કુકડીયાએ ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવી જણાવેલ કે, તા.09/03/2023 ના રોજ ફરીયાદીનો પુત્ર મહેશ કુકડીયા કનેસરા ગામે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ હતો. ત્યાં વાવેતરની બાજુમાં સુઈ જતો હતો. સવારના પાછો ન આવતા દિકરાની તપાસ કરવા વાડીએ ગયા. ત્યાં મહેશ બ્લેન્કેટ ઓઢી સૂતો હતો.

મહેશ કુકડીયા કોઈ હથિયાર વડે ઈજા થયેલ હોવાથી મરણ ગયેલ હોવાનું સામે આવ્યું

બ્લેન્કેટ ઉંચુ કરી જોતા મોઢામાંથી લોહી નિકળતું હતું. કપાળમાં ચીરો હતો. આમ, મહેશ કુકડીયા કોઈ હથિયાર વડે ઈજા થયેલ હોવાથી મરણ ગયેલ હોવાનું સામે આવ્યું હતું. ફરીયાદમાં રેખાબેને આ હત્યા તેના પતિ બટુક ચનાભાઈ કુકડીયાએ કરેલ હોવાનુ જણાવ્યું હતું.

પોલીસે મૃતકના પિતાની ધરપકડ કરી

 પોલીસે મૃતકના પિતાની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળેલું હતું કે, આરોપીએ લાકડી વડે માથા ઉપર ઘા મારી પોતાના પુત્ર મહેશની હત્યા કરી હતી. તપાસ દરમ્યાન આ લાકડી અને તે ઉપર લોહીના ડાઘ મળી આવેલા હતા.

મહેશનું લોહી એ ગ્રુપ હતું અને આરોપી બટુક કુકડીયાનું લોહી પણ એ ગ્રુપનું

કેસ ચાલી જતા કોર્ટમાં આરોપીએ બચાવ કર્યો કે, આ ગુન્હાના કોઈ નજરે જોનાર સાક્ષી નથી તેમજ આરોપીના કપડા ઉપર કોઈ લોહીના ડાઘ નથી તેથી ગુજરનારની હત્યા આરોપીએ કરેલ હોવાનું માની શકાય નહી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ કે, મહેશનું લોહી એ ગ્રુપ હતું. આરોપી બટુક કુકડીયાનું લોહી પણ એ ગ્રુપનું છે.

લાકડી ઉપર એ ગૃપનુ લોહી

જે લાકડી મળી આવેલ. તેમાં એ ગ્રુપના લોહીના નમૂના મળ્યાં છે. બટુક કુકડીયાએ શોધી આપેલ લાકડી ઉપર એ ગૃપનુ લોહી જણાઈ આવે છે, બટુક કુકડીયાએ જ આ લાકડી શોધી આપી હતી. ગુનામાં આ લાકડીનો ઉપયોગ કરેલ ન હોય તો આરોપીને આ લાકડી અંગે કોઈ જ જાણ ન હોય. હાલના કેસમાં જયારે ફરીયાદી રેખાબેને પોતાના પુત્રની હત્યા પોતાના પતિએ જ કરેલ હોવાનુ જણાવેલ છે.

આરોપી પોતાના દિકરાઓ સાથે હંમેશા ઝઘડા કરતો

ત્યારે આરોપીએ કાઢી આપેલ લાકડી સચોટ પુરાવા તરીકે માન્ય છે. આરોપી બટુક કુકડીયા પોતે રખડતો ભટકતો રહીં હમેશા પૈસાની માગણી કરી કુટુંબને હેરાન પરેશાન કરતો અને તેથી આરોપી પોતાના દિકરાઓ સાથે હંમેશા ઝઘડાઓ કરતો.

 પુત્રની હત્યા કરવા બદલ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા

આવા જ કારણસર આરોપીએ પોતાના સગા પુત્રની હત્યા કરેલ છે. આ પ્રકારનો ખુદ પત્નિનો જ આક્ષેપ હોય ત્યારે આક્ષેપ ખોટો માનવાને કોઈ કારણ નથી. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ આઈ. બી. પઠાણએ આરોપી બટુક કુકડીયાને પુત્રની હત્યા કરવા બદલ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.25,000 નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.


આ પણ વાંચો----    Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

  • Follow us on: