રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેરડી ગામે ખેતીવાડી પંથકમાં આજે આગની ભયાનક ઘટના સામે આવી છે. ખેતરમાં લહેરાતા સોના જેવા તૈયાર ઘઉંના ઊભા પાકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ વીઘા જમીનમાં વાવેલા ઘઉં બળીને રાખ થઈ જતા ખેડૂત પાયમાલ થઈ ગયો છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, દેરડી ગામની સીમમાં આવેલા એક ખેતર ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં અચાનક ઘર્ષણ થતા તણખલા ખર્યા હતા. સૂકો અને તૈયાર થયેલો ઘઉંનો પાક હોવાથી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખેતરના માલિક અને આસપાસના લોકોએ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ તે પહેલા પાંચ વીઘાનો તૈયાર પાક સ્વાહા થઈ ગયો હતો.












