જૂનાગઢ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 10 દિવસમાં આ બીજી એવી ઘટના છે જેમાં પોસ્ટ ઓફિસને આ પ્રકારે નિશાન બનાવવામાં આવી હોય. ધમકી મળતાની સાથે જ સુરક્ષાના કારણોસર સમગ્ર ઓફિસમાં હલચલ મચી ગઈ હતી.
10 દિવસમાં બીજી વાર ધમકીભર્યો મેઈલ મળ્યો
ધમકીભર્યો ઈમેઈલ મળતા જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક મુખ્ય પોસ્ટ ઓફિસ પર પહોંચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને હાજર રહેલા નાગરિકોને તાત્કાલિક બહાર કાઢી આખી બિલ્ડિંગ ખાલી કરાવાઈ હતી. પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ ઓફિસના ખૂણેખૂણામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી.













