જૂનાગઢ શહેરમાં ખાનગી વાહનો પર ખોટા હોદ્દા દર્શાવતા બોર્ડ લગાવીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક એવી વ્યક્તિને ઝડપી પાડી છે જે પોતાની કારમાં 'POLICE'નું બોર્ડ લગાવીને રોફ જમાવી રહ્યો હતો. બી ડિવિઝન પોલીસના પીઆઇ જે.જે.પટેલ અને સ્ટાફ જ્યારે ચીતાખાના ચોકથી કોર્ટ તરફ જતા રોડ પર પેટ્રોલિંગમાં હતા, ત્યારે GJ-03-NB-8114 નંબરની એક અર્ટીગા કાર જોવા મળી હતી.
ચીતાખાના ચોક પર ભાંડો ફૂટ્યો
આ કારના આગળના કાચ પર સ્પષ્ટ રીતે અંગ્રેજીમાં POLICE લખેલું બોર્ડ લગાવેલું હતું. પોલીસે વાહનચાલકને અટકાવી પૂછપરછ કરતા તે કોઈ પણ પ્રકારનો પોલીસ રાજ્યસેવક હોદ્દો ધરાવતો નહોતો. માત્ર ખોટી રીતે પોલીસમાં હોવાનો દેખાવ કરવા માટે તેણે પોતાની પ્રાઇવેટ કારમાં આ બોર્ડ લગાવ્યું હતું. પોલીસે તાત્કાલિક ગોંડલના રહેવાસી નસીરભાઈ ગુલામભાઇ ગોરી નામના આ શખ્સની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની કલમ - 204 મુજબ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.













