જૂનાગઢને વર્ષ 2002માં જ્યારે 'મહાનગરપાલિકા'નો દરજ્જો મળ્યો, ત્યારે શહેરીજનોને આશા હતી કે, શહેરમાં મેટ્રો સિટી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આશ્ચર્યની વાત એ છે કે, વિકાસની હરણફાળ ભરવાને બદલે શહેરે પોતાની પાયાની સુવિધા પણ ગુમાવી દીધી છે. જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન ગણાતી સીટી બસ સેવા છેલ્લા 7 વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે, જેના કારણે સામાન્ય જનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે.


એક કડવી વાસ્તવિકતા એ છે કે, જૂનાગઢ કદાચ સમગ્ર ગુજરાતનું એકમાત્ર એવું મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જ્યાં તંત્ર દ્વારા સીટી બસ સેવાનું કોઈ જ સંચાલન થતું નથી. ઈતિહાસ પર નજર કરીએ તો, જ્યારે જૂનાગઢ માત્ર એક નગરપાલિકા હતું, ત્યારે પણ શહેરમાં વ્યવસ્થિત રીતે 4 અલગ-અલગ રૂટ પર બસો દોડતી હતી. શહેરીજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ આ સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લેતા હતા. પરંતુ કોર્પોરેશન બન્યા બાદ સુવિધાઓમાં વધારો થવાને બદલે, જે ચાલુ સુવિધા હતી તે પણ છીનવાઈ ગઈ છે.

હાલમાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે મધ્યમ વર્ગ માટે ખાનગી વાહનો કે રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી પડી રહી છે. ત્યારે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની એક જ માંગ છે કે પ્રજાના હિતાર્થે તાત્કાલિક ધોરણે જૂના રૂટ પુનઃજીવિત કરવામાં આવે અને નવા વિસ્તારોને સાંકળીને સીટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવે. શું 'મહાનગર'નું લેબલ ધરાવતું જૂનાગઢ સાચા અર્થમાં શહેરી સુવિધાઓ પામશે ખરું? તે એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો - GSSSB Recruitment 2025: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સારા સમાચાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત

  • Follow us on: