પવિત્ર ગણાતા મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના કેશોદ પંથકમાં સામે આવી છે. લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવા આ કિસ્સામાં, એક નરાધમ મામાએ પોતાની જ સગીર ભાણેજ પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ છે.


​અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ

ગત તારીખ 12/05/2025 ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી તે દરમિયાન, ગુમ થયેલી કિશોરી એક અઠવાડિયા બાદ હેમખેમ પરત મળી આવી હતી.

સગા મામાએ જ તેની સગીર વયનો લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યું

પોલીસ દ્વારા જ્યારે આ કિશોરીની સઘન પૂછપરછ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.ભોગ બનનાર કિશોરીએ પોલીસ સમક્ષ હિંમત દાખવીને જણાવ્યું હતું કે, હાલની અપહરણની ઘટના સિવાય આશરે એક વર્ષ પહેલા તેના સગા મામાએ જ તેની સગીર વયનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

કિશોરીનું CRPC 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું

આ મામલાની ગંભીરતાને જોતા, જુનાગઢ ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ કિશોરીનું CRPC 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું હતું. ન્યાયાધીશ સમક્ષ પણ કિશોરીએ પોતાની સાથે થયેલા અન્યાયની આપવીતી વર્ણવી હતી. ભોગ બનનાર સગીર હોવાથી, કેશોદ પોલીસે આ મામલે સગા મામા વિરુદ્ધ: દુષ્કર્મ અને પોક્સો જેવી કલમો હેઠળ ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે.


આ પણ વાંચો-----    Rajkot: પીધેલી હાલતમાં કાર ચાલકે ઘંટેશ્વર પુલ પરથી કાર નીચે ફંગોળી, કારનો કચ્ચરઘાણ

  • Follow us on: