જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પોતાની જ કિંમતી જમીન પરત મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરનાર કરશનભાઈ ગોવિંદભાઈ કટારિયા નામના આધેડે જમીન માફિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને આખરે મોતને વહાલું કર્યું છે.
કૌટુંબિક સભ્ય દુલાભાઈ પીઠાભાઈએ છેલ્લા દસ વર્ષથી અડીંગો જમાવ્યો હતો
વંથલી તાલુકાના ગાદોઈ ગામની સીમમાં આવેલી અઢી વીઘા જમીન પર તેમના જ કૌટુંબિક સભ્ય દુલાભાઈ પીઠાભાઈએ છેલ્લા દસ વર્ષથી અડીંગો જમાવ્યો હતો. વિશ્વાસે ખેડવા આપેલી જમીન પચાવી પાડવાના બદઈરાદા સાથે આરોપીઓએ કરશનભાઈને સતત માનસિક યાતનાઓ આપી હતી.
ગળાફાંસો ખાઇ લીધો
વર્ષ 2010થી ન્યાય માટે વલખાં મારતા કરશનભાઈને છેલ્લે 29 ડિસેમ્બરના રોજ મહેશ દુલાભાઈ અને દુલાભાઈ પીઠાભાઈએ રૂબરૂ મળીને ધાક-ધમકીઓ આપી હતી.જેથી કંટાળી ગળાફાંસો ખાઇ લીધો હતો.
મૃતકના ખિસ્સામાંથી ત્રણ સુસાઈડ નોટ મળી આવી
1 જાન્યુઆરીના રોજ કરશનભાઈએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસ અને પેનલ પીએમ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી ત્રણ સુસાઈડ નોટ મળી આવી છે, જે આરોપીઓના પાપનો જીવતો જાગતો પુરાવો છે. જેમાં જગુભાઈ કટારિયા, રાજાભાઈ કટારિયા, દુલાભાઈ કટારિયા, મહેશ કટારિયા અને મંજુબેન કટારિયાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
આરોપી મહેશ જૂનાગઢ PTC માં SRP જવાન તરીકે ફરજ બજાવે છે
આરોપી મહેશ દુલાભાઈ કટારિયા પોતે જૂનાગઢ PTC માં SRP જવાન તરીકે ફરજ બજાવે છે...આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ. નોંધી તપાસ શરૂ કરી છે.
નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન
હાલ વંથલી પોલીસે BNS ૧૦૮ અને ૫૪ હેઠળ આત્મહત્યાના દુષ્પ્રેરણાનો કડક ગુનો નોંધી તમામ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.