જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. કેશોદના લીમડા ચોક વિસ્તારમાં બે આખલાની લડાઇમાં એક બાઇકસવાર યુવક અડફેટે આવતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. યુવક જ્યારે પોતાના બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તા વચ્ચે બે આખલાઓ આક્રમક રીતે લડી રહ્યા હતા. આ લડાઈમાં યુવક આખલાઓની ઝપેટમાં આવી ગયો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કેશોદના લીમડા ચોક વિસ્તારમાં બની ઘટના
તાત્કાલિક તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કોંગ્રેસે પાલિકાની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે અને આક્ષેપ કર્યો છે કે, રખડતા ઢોરને પકડવામાં પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. સ્થાનિકોએ આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે.













