સરકારી કચેરીઓના ધક્કા ખાવાની પરંપરા હવે ભૂતકાળ બની રહી છે. જૂનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરીએ મહેસૂલી કામગીરીમાં એવી ઝડપ અને ચોકસાઈ આણી છે કે જે સમગ્ર રાજ્ય માટે એક રોલ મોડેલ બની શકે છે. સુશાસનના મંત્રને સાકાર કરવા માટે અહીં કર્મચારીઓની તાલીમ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
એક જ દિવસમાં આવકનો દાખલો
આરોગ્ય સેવાની સુવિધા મેળવવા માટે આયુષ્માન કાર્ડ અત્યંત જરૂરી છે, અને તેના માટે આવકનો દાખલો અનિવાર્ય છે. કેશોદ કચેરીએ એવી વ્યવસ્થા ઊભી કરી છે કે, અરજદાર જે દિવસે આવકના દાખલા માટે અરજી કરે છે, તેને તે જ દિવસે દાખલો ઈસ્યુ કરી દેવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 18,184 જેટલા વિવિધ દાખલા-પ્રમાણપત્રો અરજદારોને વિના વિલંબે પૂરા પાડવામાં આવ્યા છે.
ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય
ખેડૂતો માટે રેવન્યુ રેકર્ડમાં હક્કપત્રક નોંધ સૌથી મહત્વની હોય છે. અગાઉ ટેકનિકલ ખામી કે અપૂરતી વિગતોના કારણે નોંધ નામંજૂર થવાનો દર 10.91 ટકા જેટલો ઊંચો હતો, પરંતુ વહીવટી તંત્રની જાગૃતિ અને સુધારાત્મક પગલાઓના કારણે આ દર ઘટીને માત્ર 0.90 ટકા સુધી લાવી શકાયો છે. આ સફળતાથી ખેડૂતોની કાનૂની ગૂંચો ઘટી છે અને વહીવટી વિશ્વાસ વધ્યો છે.
E-KYC માં કેશોદની સિદ્ધિ
ડિજિટલ ઈન્ડિયાના અભિયાનને વેગ આપતા, કેશોદના અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી કુલ 83,337 રેશનકાર્ડ ધારકોનું 'MY RATION' એપ મારફતે સફળતાપૂર્વક E-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી અન્નોત્સવ જેવી યોજનાઓમાં પારદર્શિતા આવશે અને સાચા લાભાર્થીઓ સુધી અનાજ પહોંચશે. મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પરિવર્તન પાછળ કર્મચારીઓની નિયમિત તાલીમ જવાબદાર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો