જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.


દાદર વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા

વિસાવદરના દાદર વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 માટી અને મોરમનું ખનન કરી સરકારી સંપત્તિની લૂંટ

મળતી માહિતી મુજબ, સરકારી જમીનમાંથી પરવાનગી વગર માટી અને મોરમનું ખનન કરી સરકારી સંપત્તિ લૂંટવામાં આવી રહી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન ભૂમાફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

35 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત

તંત્રએ રૂ. 35 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનનમાં ઉપયોગમાં લેવાતી એક જેસીબી મશીન અને ચાર ટ્રેક્ટરોને સીઝ કરવામાં આવ્યા છે. ખનન માટે કોઈ પ્રકારની જરુરી પરવાનગી લેવામાં આવી ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ભૂમાફિયાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ

સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખાસ કરીને સંડોવાયેલા ભૂમાફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે પણ સ્થાનિક સ્તરે માંગ તેજ બની છે.

 કડક કાયદેસર કાર્યવાહી

તંત્ર દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ખનન પાછળ સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.


આ પણ વાંચો----    Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

  • Follow us on: